AD SPACE

લોકનૃત્ય:ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન લોકનૃત્યો, બનાસકાંઠામાં હોળીપર્વ ઉપર રમાય છે લોકનૃત્ય ગેર

ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન લોકનૃત્યો. આધુનિક સમયમાં દેશ અને દુનિયા પશ્ચિમી વાયરામાં કેદ થઈ રહ્યાં છે, ત્યારે આપણા લોકનૃત્યોએ પ્રાચીન સંસ્કૃતિને સાચવી છે. આપણા લોકનૃત્ય અને લોક સાહિત્યમાં પ્રાચીન સંસ્કૃતિ સચવાયેલી છે. આજના આધુનિક સમયમાં પ્રાચીન સંસ્કૃતિને લોકનૃત્યોએ સાચવી રાખી છે. લોકનૃત્યો આપણી પ્રાચીન પરંપરાનો મીઠો, રણકતો ધબકાર

ગુજરાત અને રાજસ્થાનમાં હોળી - ધુળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી - ધુળેટીના તહેવારની ઉજવણી લોકો પ્રેમભાવ અને એકતાથી કરે છે. થરાદ તાલુકાના મેસરા, દિપડા, મોરથલ, લુણાવા, બેવટા અને ધાનેરા તાલુકાના થાવર સહિતનાં અનેક ગામોમાં વર્ષોથી પરંપરા મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઇ ઘેર (ગેર) લોકનૃત્ય રમે છે.

ઘેર એટલે ગોળ વર્તુળમાં ફરવુ (રમવુ). બીજો અર્થ, હોળી ખેલવા નીકળેલ ટોળી કે ઘેરૈયાનું ટોળું થાય છે. લોકનૃત્ય રમતા લોકોને ઘેરૈયા તરીકે ઓળખવામાં આવે છે. ઘેરૈયા લાકડી લઈને રાસ રમે. જેને ઘેરરાસ કે ગેરરાસ કહેવામાં આવે છે. આ દિવસોમાં ઢુંઢવિધિ (બાળકના જન્મબાદ પ્રથમ આવતી હોળી પર્વના દિવસો દરમ્યાન ઢૂંઢવિધિ કરવામાં આવે છે.) કરવામાં આવે છે. રાત્રે બાળકને ઢૂંઢાડ્યા બાદ ઘેરરાસ (ગેરરાસ) રમવામાં આવે છે.

આ સિવાય, આ લોકનૃત્યને સામુહિક રીતે દિપડા ગામમાં ફાગણ વદ બીજ 'ફુલડોર'ના દિવસે તથા નવરાત્રિ દરમિયાન રમવામાં આવે છે. થાવર ગામમાં આ લોકનૃત્યને ધુળેટી (ફાગણ વદ - ૧)ના રોજ રમવામાં આવે છે. ફાગણ સુદ પૂનમ (હોળી) ના રોજ સાંજે હોળી દહનનો કાર્યક્રમ, ફાગણ વદ એકમ (ધુળેટી)ના રોજ લોકનૃત્ય રમવામાં આવે છે. મોરથલ, બેવટા, લુણાવામાં ધુળેટીના દિવસે રમવામાં આવે છે. જ્યારે ડીસામાં માળી સમાજ દ્વારા અને માલગઢમાં ધુળેટીના દિવસે લોકનૃત્ય રમવામાં આવે છે. મેસરા ગામમાં રાજેશ્વર ભગવાનના મંદિરે ચૈત્ર સુદ નોમ-દશમનું રમવામાં આવે છે.

ગામના વડીલો અને યુવાનો ફાગણ વદ -૧ના રોજ સવારમાં ગામના પાદરમાં દેશી પોશાકમાં સજ્જ થઇ હાથમાં ટુંકી લાકડીઓ લઈ દેશી ઢોલના તાલે લાકડીને ફેરવી અને એકબીજાની લાકડીને ટકરાવીને લોકનૃત્ય રમે છે. તે દિવસે આખુ ગામ એક થઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઘેર (ગેર) લોકનૃત્ય રમીને અસ્મિતા અને સંસ્કૃતિને સાચવી રહ્યા છે. ધુળેટીના દિવસે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધારે છે. આ લોકનૃત્યને થરાદ, ધાનેરા, ડીસા વિસ્તારમાં રમવામાં આવે છે.

About Dinesh Bhurjar

0 Comments: