- લાયન્સ ક્લબ-થરાદ દ્વારા યોજાયેલ સત્કાર સમારંભમાં જાહેરાત
થરાદમાં લાયન્સ ક્લબ-થરાદ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો સત્કાર સમારોહ અને લાયન્સ ચાર્ટર નાઈટ સેલિબ્રેશન યોજાયું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષએ લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા કહ્યું હતું કે લાયન્સ ક્લબ બીજાના ભલા માટે સારા ભાવથી કામ કરતી સંસ્થા છે.
આ સંસ્થામાં દરેક સભ્યો સમાજને કંઇ રીતે મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે આવે છે. કાર્યક્રમને સંબોધન કરતાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સર્વાગી વિકાસની માટે કટિબદ્ધતા બતાવી હતી. થરાદના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મેળવવા દૂર સુધી ન જવું પડે તે માટે થરાદમાં અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત નગરને વિકસીત કરી થરાદને રાજ્યમાં શિરમોર બનાવવું છે.
બનાસ મેડિકલ કોલેજ અને રાજ્ય સરકારના સહયોગથી આ વિસ્તારની બહેનોને પોતાના ઘેર આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા હેલ્થકાર્ડ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો બીડી, તમાકુ, ગુટખા જેવા વ્યસનોની બદીઓથી દૂર રહે તે માટે અભિયાન ચલાવવામાં આવશે.આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શૈલેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ થરાદના પ્રમુખ પીરોમલ નજાર, લાયન્સ કલબના મંત્રી કિર્તીભાઈ આચાર્ય, સંગઠનના મહામંત્રી કનુભાઈ વ્યાસ, હસમુખભાઇ સોની, અગ્રણી અજયભાઈ ઓઝા, લાયન્સ કલબના વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments:
Post a Comment