બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં છે. અખાડા સરસપુર પહોંચ્યા છે. તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં છે. ભગવાનનું મામેરૂ લઈ જવામાં આવ્યું હતું. હવે ત્રણેય રથ સરસપુરથી રવાના થયાં છે
ટાઇમલાઇન
- 12.59 વાગ્ય રથ સરસપુર પહોંચ્યા
- 12.39 વાગ્યે રથ પાંચ કૂવા સર્કલ પહોંચ્યા
- 11.48 વાગ્યે રથ ખાડિયા પહોંચ્યા
- 11.41 વાગ્યે રથ રાયપુર ચકલા પહોંચ્યા
- 10.38 વાગ્યે રથ ખાડિયા તરફ રવાના થયાં
- 10.25 વાગ્યે ત્રણેય રથ કોર્પોરેશન પહોંચ્યા
- 10.21 વાગ્યે ભગવાન જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો
- 10.01 વાગ્યે રથ વૈશ્યસભા પહોંચ્યા
- 9.01 વાગ્યે રથ જમાલપુર દરવાજાથી આગળ વધ્યા
- 8.31 વાગ્યે અખાડા કોર્પોરેશન તરફ રવાના થયા
- 8.01 વાગ્યે 50થી વધુ ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશનથી આગળ નીકળી
- 7.45 વાગ્યે હાથીની સવારી ઢાળની પોળ પહોંચી
- 7.27 ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવા રવાના
- 7.24 ગજરાજ જમાલપુર દરવાજાથી વૈશ્યસભા તરફ રવાના થયા
- 7.08 વાગ્યે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યા
- 7.06 વાગ્યે બળભદ્રજીનો રથ નગચર્ચા માટે રવાના થયો
- 7.02 વાગ્યે સુભદ્રાજીનો રથ મંદિરમાંથી નગરચર્યા માટે રવાના થયો
- 6.57 વાગ્યે મંદિરમાંથી જગન્નાથજીનો રથ મંદિરમાંથી પ્રસ્થાન થયો
- 6.55 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી રથાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
- 5.38 વાગ્યે ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
- 5.30 વાગ્યે બહેન સુભદ્રાજીને પદ્મધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં
- 5.21 વાગ્યે ભગવાન જગદીશને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
- 5 વાગ્યે ખીચડો અને કોળા - ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો
- 4.40 વાગ્યે ભગવાનની આંખ પરથી રેશમી પાટા ખોલવામાં આવ્યાં
- 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી
- 3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં
મહંત દિલિપદાસજીનું અમદાવાદના શાસકોએ સ્વાગત કર્યું
હાલ રથ જમાલપુર દરવાજાથી આગળ વધી રહ્યા છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસે પહોંચી ગયાં છે.અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, દંડક સહિતના નેતાઓ દ્વારા મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામા આવ્યું. વિવિધ કમિટિના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટરોએ પણ સ્વાગત કર્યું હતું. મોટાભાગે દર વર્ષે દિલીપદાસજી મહારાજ રથની આગળ રહેતા હોય છે, પરંતુ આ વખતે તેઓ ઢાળની પોળ પાસે અખાડા ક્રોસ કરી આગળ તરફ નીકળ્યા છે.
સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો
ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો છે.મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.એક બાદ એક રોડ રસ્તા પર બંધ કરવામાં આવી રહ્યા છે.ટ્રકો ઢાળની પોળથી પસાર થઈ ચૂકી છે. હવે અખાડા ઢાળની પોળ પહોંચ્યા છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી છે. 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે. ભક્તો પણ ભગવાનની રાહ જોઈ રહ્યા છે. ભજન મંડળીઓ પણ ધીરે ધીરે આગળ વધી રહી છે. રથયાત્રાના રૂટ પર રામ મંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.ભજન મંડળીઓ વૈશ્યસભા પહોંચી છે.
ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને બળભદ્રજીના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા અને સાથે જ ભગવાનને પ્રિય ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જગન્નાથ મંદિર પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ સહિત ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે. મંગળા આરતી કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રવાના થયા હતા. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબા કર્યા હતા. તો મોડી રાતથી ભક્તોમાં નાથની નગરચર્યાને લઈને ઉત્સાહ છે. ગુરૂવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો સોનાવેશ કરાયો હતો. સવારે મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાનને સોનાના અલંકારો અર્પણ કરવામાં આવ્યા હતા.
રથયાત્રામાં માસ્ક પહેરવા લોકોને અપીલ કરાઈ છે
1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાવાના છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકો માસ્ક જરૂરથી પહેરે. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટે લોકોને અપીલ કરી હતી કે, જ્યારે પણ લોકો ભગવાનના દર્શન કરવા માટે આવે ત્યારે માસ્ક પહેરે, જેથી કોરોનાના કેસો વધુ વકરે નહીં. રથયાત્રાના રૂટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવશે.
25 હજાર પોલીસકર્મી અને અધિકારી ખડેપગે, અભેદ્ય સુરક્ષા
જગતના નાથની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવશે. બીજી તરફ જમીની સ્તર પર હાઈરિઝોલ્યુશન સીસીટીવીથી વોચ રાખવામાં આવશે જેમાં 46 ફિક્સ્ડ લોકેશન અને અન્ય મુવિંગ બંદોબસ્ત તથા વ્હીકલ માઉન્ટેડ હશે. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી 2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે. આ પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારમાં દરેક વ્યક્તિની હરકત પર બાજનજર રાખશે.
101 ટ્રક રથયાત્રામાં જોડાશે
અગાઉથી નક્કી રૂટને આધારે રથયાત્રા કુલ 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પસાર થતી હોય છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય 101 સુશોભિત ટ્રક જોડાશે. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત હોય છે. આ તપાસમાં ટ્રકમાં કોઈ જીવલેણ હથિયાર કે અન્ય નુકસાનકારક સામગ્રી ન હોવાની ખરાઈ કરવામાં આવે છે. દર 10 ટ્રક પછી એક પોલીસવાન ગોઠવવામાં આવશે તેમજ GPSની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે.
સંદેશાવ્યવહાર માટે સતત 16 ચેનલ ચાલુ રહેશે
રથયાત્રા દરમિયાન સંદેશા વ્યવહાર સતત ચાલુ રહે તે માટે પણ પુરતું આયોજન કરવામાં આવ્યુ છે. VHF વાયરલેસ વોકીટોકીના કુલ 16 ચેનલ પર સતત સંદેશાવ્યવહાર ચાલુ રહેશે. કારંજ, માધવપુરા, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, ગાયકવાડ હવેલી, કાલુપુર, દરિયાપુર એમ કુલ 8 પોલીસમથકોમાં મીની કંટ્રોલરૂમ રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પર પણ રખાશે નજર
આજના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ઉપદ્રવી તત્વ સોશિયલ મીડિયા થકી સૌહાર્દનો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપ સહિતના માધ્યમો પર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લેશે. જો સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધી જણાઈ આવે તો તાત્કાલિક તેનું IP એડ્રેસ મેળવીને તેની ઉલટતપાસ કરવામાં આવશે. સાયબર ક્રાઈમની વિવિધ ટીમો ખાસ સોફ્ટવેરની મદદથી સોશિયલ મીડિયા સર્વેલન્સ રાખશે. સુરક્ષા માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ પોલીસ વિભાગનું આયોજન છે.
રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
- 25000 વિવિધ રેન્કના પોલીસકર્મીઓ
- હેલિકોપ્ટર, ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા
- હાઈરિઝોલ્યુશન સીસીટીવી કેમેરા
- 46 ફિક્સ્ટ લોકેશન સહિત અન્ય મુવિંગ, વ્હિકલ માઉન્ટેડ કેમેરા
- 2500 બોડીવોર્ન કેમેરા
- 101 ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’
- VHF વોકીટોકીથી 16 ચેનલ પર સંદેશા વ્યવહાર
- 8 પોલીસ સ્ટેશનમાં મીનિ કંટ્રોલ રૂમ
- જનભાગીદારીથી સોશિયલ મીડિયા મોનિટરિંગ
- હ્યુમન ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ
0 Comments:
Post a Comment