વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મોદીએ પરીક્ષા અને જીવનમાં તણાવ અંગે બાળકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષામાં પરિવારની નિરાશાનો સામનો કેવી રીતે કરવો તેની ટીપ્સ આપી.
PMએ ઘરમાં માતાનું મેનેજમેન્ટ, ક્રિકેટમાં ગુગલી, પતંગની દોરી જેવા અનેક ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને સમજાવ્યા. જ્યારે એક વિદ્યાર્થીએ પરીક્ષામાં દબાણ અંગે એક સવાલ પૂછ્યો ત્યારે PMએ કહ્યું- પરિવારના દબાણમાં ન આવો. તેમણે કહ્યું કે તમે ક્રિકેટ જોવા ગયા હશો ત્યારે જોયું હશે કે પ્રેક્ષકો ચોગ્ગા-છગ્ગાની બૂમો પાડતા હોય છે. પરંતુ બેટરનું ધ્યાન બોલ પર કેન્દ્રિત હોય છે અને તે બોલ પ્રમાણે શોટ મારે છે. 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમની આ છઠ્ઠી આવૃત્તિ છે.
મોદીની સ્પીચની અન્ય વાતો
વધુમાં વધુ ભાષા શીખો-કોમ્યુનિકેશન એક મોટી શક્તિ છે. જેમ તમે વિચારો છો કે તબલા કે પિયાનો શીખું, તેવી જ રીતે પડોશના રાજ્યોની ભાષા શીખો.
તણાવથી બચવા ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરો-વડાપ્રધાને કહ્યું કે આપણે આપણી ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તો તણાવ નથી થતો.
ગેજેટના ગુલામ ન બનો-સૌથી પહેલા તો તે નિર્ણય કરવાનો છે કે તમે સ્માર્ટ છો કે ગેજેટ. ક્યારેક લાગે છે કે તમે પોતાના કરતા ગેજેટને વધુ સ્માર્ટ માનો છો. ગેજેટને માત્ર આગળ વધવા વાપરવા જોઈએ.
પટનાથી પ્રિયંકા કુમારી, મદુરાઈથી અશ્વિની, દિલ્હીથી નવતેજ-પરિણામો સારાં ન આવે તો પરિવારની નિરાશાનો સામનો કેવી રીતે કરવો? આજકાલ વિદ્યાર્થીઓ તેમના હાથ કાપી રહ્યા છે, તેઓ તેમની લાગણીઓ સાથે અન્ય લોકો પર વિશ્વાસ કરતા નથી?
PM મોદી- 'અશ્વિની તમે ક્રિકેટ જુઓ છો. ક્રિકેટમાં ગૂગલી હોય છે. નિશાનો એક હોય છે, દિશા બીજી હોય છે. લાગે છે તમે પહેલીવારમાં મને આઉટ કરવા માગો છો. પરિવારના લોકોની અપેક્ષા સ્વાભાવિક છે. એમાં કંઈ ખોટું નથી, પરંતુ પરિવારના લોકો અપેક્ષા સોશિયલ સ્ટેટસને કારણે કરે છે તો આ ચિંતાનો વિષય છે. તેમને સોશિયલ સ્ટેટસનું એટલું દબાણ છે કે તેમને લાગે છે કે બાળકો માટે સમાજ શું કહેશે. બાળકો નબળાં છે તો કેવી રીતે ચર્ચા કરશે. મા-બાપ તમારી ક્ષમતા જાણે છે છતાં સોશિયલ સ્ટેટસને કારણે ક્લબ-સોસાયટીમાં જાય છે ત્યારે બાળકોની વાત કરે છે. પોતાનાં બાળકો વિશે મોટી-મોટી વાતો કરે છે. ઘરમાં આવીને એ જ અપેક્ષા રાખે છે.'
તમે સારું કરશો તોપણ દરેકને તમારી પાસેથી નવી અપેક્ષાઓ હશે. અમે રાજકારણમાં છીએ. ગમે એટલી ચૂંટણી જીત્યે, પરંતુ એવું દબાણ બનાવવામાં આવે છે કે જાણે અમે હારવાના હોઈએ. 200 લાવ્યા છો તો 250 કેમ નહીં, 250 લાવ્યા છો તો 300 કેમ નહીં. ચારેબાજુથી દબાણ સર્જાય છે. શું આપણે આ દબાણમાં દબાઈ જવું જોઈએ? તમે ક્યારેય ક્રિકેટ જોવા ગયા હશો, ત્યારે કેટલાક બેટર આવે છે તો આખું સ્ટેડિયમ બૂમો પાડવા લાગે છે. ચોગ્ગા-ચોગ્ગા, છગ્ગા-છગ્ગા, શું તે દર્શકોની માગ પર ચોગ્ગા-છગ્ગા ફટકારે છે? તમે બૂમો પાડતા રહી જાઓ, પરંતુ બેટરનું ધ્યાન બોલ પર જ રહે છે. બોલરના મનનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે. તે બોલ પ્રમાણે શોટ મારે છે. ફોકસ રહે છે. જો તમે ધ્યાન કેન્દ્રિત રાખશો, તો તમે દબાણને નિયંત્રિત કરી શકશો. સંકટમાંથી બહાર આવશે. દબાણમાં ન રહો, દબાણનું વિશ્લેષણ કરો. તમે તમારી જાતને ઓછો આંકી રહ્યા છો એ વિશે વિચારો. બાળકોએ તેમની ક્ષમતાઓથી પોતાને ઓછા આંકવા ન જોઈએ.
ચંબાથી આરુષિ ઠાકુર, રાયપુરની અદિતિ-પરીક્ષા દરમિયાન સૌથી વધુ પરેશાની એ છે કે અભ્યાસ ક્યાંથી શરૂ કરવો. હંમેશાં બધું ભૂલી ગઈ, એ ખૂબ તણાવ આપે છે?
PM- 'માત્ર પરીક્ષા જ નહીં, જીવનમાં પણ ટાઇમ મેનેજમેન્ટ માટે જાગ્રત રહેવું જોઈએ. કામમાં મોડું એટલે થાય છે, કારણ કે સમયસર એ કરવામાં નથી આવતું. કામ કરવાથી થાક નથી લાગતો, પરંતુ સંતોષ મળે છે. કામ ન કરવાથી થાક લાગે છે. તમે ક્યારેક કાગળ પર પેન-પેન્સિલ લઈને ડાયરી પર લખો. એકાદ અઠવાડિયું લખો કે તમે સમય ક્યાં પસાર કરો છો. અભ્યાસ કરો છો, તો કેટલો સમય કયા વિષયને આપો છો. શોર્ટકટ શોધો છો કે બેસિકમાં આવો છો. તમે જાણશો કે મનગમતી વસ્તુમાં સૌથી વધુ સમય લગાવો છો. એમાં જ ખોવાયેલા રહો છો. જરૂરી વિષય બોજ લાગે છે. તમારે માત્ર ભણવાનું છે, ભણતી વખતે મગજ ફ્રેશ રાખો અને એ સમયે સૌથી ઓછો મનગમતો અને અઘરો વિષય વાંચો. પછી મનગમતો અને પછી ફરી ઓછો મનગમતો વિષય. આવું કરવાથી રિલેક્સેશન મળશે અને તૈયારી પણ થશે'
'મને પતંગનો બહુ શોખ હતો. પતંગની દોરી ફસાઈ જાય છે અને ગૂંચળું બની જાય છે. ધીમે ધીમે દરેક તાર પકડીને એનો નિકાલ કરવો પડે છે. ધીમે-ધીમે મોટું ગૂંચળું પણ સરળતાથી ઉકેલાઈ જશે. આપણે બળજબરીથી કંઈ કરવાની જરૂર નથી. એનો ઉકેલ સરળ રીતે લેવાનો છે. શું તમે ક્યારેય માતાને ઘરે કામ કરતી જોઈ છે? શાળાએ જવું હોય કે શાળાએથી આવવું માતા બધું તૈયાર રાખે છે. માતાનું ટાઈમ મેનેજમેન્ટ ઘણું સારું છે. સૌથી વધુ કામ માતા કરે છે છતાં તેને બોજ લાગતો નથી. તેમને ખબર હોય છે કે આટલા કલાકમાં આટલું કામ કરવાનું હોય છે. એક્સટ્રા ટાઇમમાં પણ તે કંઈ ને કંઈ ક્રિએટિવ કરતી રહે છે. માતાનું નજીકથી અવલોકન કરશો તો એક વિદ્યાર્થી તરીકે ટાઇમ મેનેજમેન્ટ શીખી જશો.'
હાર્ડવર્ક કે સ્માર્ટવર્કમાંથી શું જરૂરી છે
PM-'તમે નાનપણમાં એક કથા વાંચી હશે. આનાથી તમે હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક સમજી શકશો. ઘડામાં પાણી હતું. પાણી ઊંડું હતું. કાગડાને પાણી પીવું હતું, પરંતુ અંદર પહોંચી શકતો નહોતો. કાગડાએ નાના પથ્થર ઉપાડી ઘડામાં નાખ્યા, પાણી ઉપર આવ્યું અને કાગડાએ એ પાણી પીધું. આને હાર્ડવર્ક કહેશો કે સ્માર્ટવર્ક. જ્યારે કથા લખવામાં આવી ત્યારે સ્ટ્રો નહોતી, નહીંતર કાગડો બજારમાંથી સ્ટ્રો લઈને આવત. કેટલાક લોકો હાર્ડવર્ક જ કરે છે. કેટલાક લોકોમાં હાર્ડવર્ક હોતું જ નથી. કેટલાક લોકો હોય છે હાર્ડલી સ્માર્ટવર્ક કરે છે. કેટલાક સ્માર્ટલી હાર્ડવર્ક કરે છે. એટલે કાગડાએ પણ શિખવાડ્યું કે સ્માર્ટલી હાર્ડવર્ક કેવી રીતે કરવું.'
ગુરુગ્રામથી જોહિતા-એવરેજ વિદ્યાર્થી હોવા છતાં અભ્યાસમાં કેવી રીતે ફોકસ કરી શકું?
PM- સૌથી પહેલા તમને અભિનંદન આપીશ કે તમને જાણ છે કે તમે એવરેજ સ્ટુડન્ટ છો. કેટલાક હોય છે, જે એવરેજ કરતા ઓછા હોય છે, પણ પોતાને તીસમારખાન સમજે છે, જે પોતાની ક્ષમતા નથી જાણતા, તેમને ઘણી મુશ્કેલી આવે છે. ભગવાને તમને શક્તિ આપી, શિક્ષકે આપી અને માતા-પિતાએ શક્તિ આપી.
દુનિયામાં મોટા ભાગના લોકો એવરેજ હતા. ભારત આજે દુનિયામાં આર્થિક તુલનામાં આશાની કિરણ તરીકે જોવાઈ રહ્યો છે. તમે બે-ત્રણ વર્ષમાં જોયું હશે કે એવરેજ છે, વડાપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથી. એ જ દેશ જેને એવરેજ કહેવાતો હતો, આજે તે દુનિયામાં ચમકી રહ્યો છે. તમે એવરેજ પણ હશો તોપણ કંઈ ને કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી હશો.
20 લાખથી વધુ પ્રશ્નો મળ્યા
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે 20 લાખથી વધુ પ્રશ્નો પ્રાપ્ત થયા છે. જ્યારે આ ચર્ચા માટે NCERT દ્વારા કૌટુંબિક દબાણ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, આરોગ્ય અને કેવી રીતે ફિટ રહેવું અને કારકિર્દીની પસંદગી જેવા વિવિધ પ્રશ્નોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
0 Comments:
Post a Comment